યુવાનોને એક સંદેશ: મોડર્ન પ્રેમ
✨👉 સમગ્ર સમાજના યુવાનોને એક સંદેશ 👈✨
"મોડર્ન પ્રેમ" : એક ઘાતક વિષ
"So cool " કહેવાતા આજના સમયના પ્રેમ ને સામાજીક દૂષણ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી!! આ વિષય પર લખવાનો મારો હેતુ એક જ છે કે,ઘણા સમયથી પ્રેમ એ યુવાનો અને કિશોરો માટે એક ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે!
દેશનું ભવિષ્ય,દેશના વિકાસનો પાયો એ યુવાનો છે.યુવાન એ દેશની સંપત્તિ છે, એમની શક્તિઓને યોગ્ય માર્ગે વાળીને આપને સમગ્ર સમાજના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સુધારી શકીએ છીએ.એ યુવાનો પછી આપણા પાટીદાર સમાજના હોય કે કોઈ પણ સમાજના!પણ આજના આધુનિક અને સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો લક્ષ્યભિમુખ બનવાને બદલે લક્ષ્ય થી વિમુખ જઈ રહ્યા છે. ચેટ,મેસેજ એ કોઈ ખોટી વસ્તુ નથી પણ એનો સમયની પાબંધી વિના ઉપયોગ એ વ્યક્તિત્વના વિનાશ કાળ તરફ લઈ જાય છે.
"પ્રેમ" એ ખૂબ જ પવિત્ર બંધન છે,પણ આજે લોકો માત્ર 2 દિવસની ચેટ ને પ્રેમ માની લે છે!! આજ બાબત સમાજ માટે હાનીકારક છે. મારો વિરોધ એ "પ્રેમ" થી નથી.પણ મારો વિરોધ એ અલ્પકાળના અને માનસિક વિકૃતિ તરફ લઈ જતા પ્રેમ થી છે! હમણાં જ જાન્યુઆરી પછી ફેબ્રુઆરી મહિનો આવશે જેને "so cool" કહેવાતા લોકો એ "પ્રેમઉત્સવ" ના રૂપમાં મનાવે છે.ત્યારે બજારમાં પૂરી તૈયારી સાથે પ્રેમ વેચાશે!! શું આનો અર્થ જ પ્રેમ છે? શું આજના યુવાનો માટે પ્રેમ એ બજારમાં મળતી કોઈ વસ્તુ છે?
મિત્રો,જરા જુઓ તો ખરા આપણી સંસ્કૃતિ અને ભવ્ય વારસો! આજના મોડર્ન યુગમાં લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું છે પણ એ વિચારો શૈતાની થયા છે! દરેક લોકો પ્રેમમાં " હા" સાંભળવાની અપેક્ષા રાખે છે. "ના" સાંભળવી એ એમના માટે ખતરનાક થઈ જતું હોય છે.! આજનો પ્રેમ એ જીદનો એક ભાગ છે.આજે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈને પસંદ કરે છે તો તે વ્યક્તિ પર અધિકાર ઠરાવવાનું શરુ કરે છે. અને આમાં વ્યક્તિની સત્તા કામ ના કરે અને તેની મરજી વિરુદ્ધ નું કઈ પણ થાય તો આવેગ થી પ્રેરાઈ ને વ્યક્તિ તેને મારી નાખે છે!! અને કાં તો પછી સળગાવી દે છે!!
વર્તમાન સમયમાં પ્રેમ એટલો અમાનવીય બની ગયો છે કે,સાચા પ્રેમની લાગણી પ્રદૂષિત થઈ રહી છે.આજના સમયના પ્રેમના પારખા એ એસિડ એટેક જેવી ઘટનાઓથી જાણી શકાય છે.જ્યાં શાળા,કોલેજ કે નોકરી કરવા જતી એક છોકરીને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવે છે! આવી ઘટનાઓ પ્રેમ માં "ના" કહેવાથી બનતી હોય છે.
જે પ્રેમ માં "ના" સાંભળે છે એ કાં તો આત્મહત્યા કરી લે છે! શું આ પ્રેમ ની પુષ્ટિ છે?? બંને બાજુનો તેમનો પ્રેમ મરવાની અને મારવાની માનસિકતા સાથે આગળ વધે છે!
પ્રેમ માં આ કેવી માનસિકતા!!!!
શું આને જ પ્રેમ કહેવાય છે? કે પછી જીદ,ક્રોધ ના કારણે થયેલો એક ક્ષણિક સમયનો આવેગ! એ વ્યક્તિના અંતરાત્મા ને એટલો ખોખલો કરી નાખે છે કે,પ્રેમ ની અનુભૂતિ ભૂલીને નફરત થી પોતાના જ પ્રેમની નિર્દયતાથી હત્યા કરવા એક ક્ષણ પણ અચકાતા નથી! અને તેના પ્રેમી હોવાનો દાવો કરે છે!!
આપના સમાજના ભવ્ય વારસાને યાદ કરો! ભારતની ભવ્યતા અને મહાનતાને યાદ કરો! જ્યાં કૃષ્ણ અને રાધા ના પ્રેમ માં "હું" અને "તું" વચ્ચે કોઈ ફરક ન હતો. આજના યુવાનોનો પ્રેમ એ સ્વકેન્દ્રીત બનીને માત્ર "હું" પર જ અટકી ગયો છે..!!
પ્રેમ ની લાગણી ખોટી નથી,પણ ધીરજ,સમર્પણ અને માન વિના એ લાગણી ખોટી છે.પૃથ્વી પર લઈ આવનાર માતા - પિતા નું હૈયું દુભાવિને થતો પ્રેમ એ સાહસ ના કહેવાય.
આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે "પ્રેમ" શબ્દ સાંભળતાની સાથે જ આપણે માની લઈએ છીએ કે પ્રેમ એ વિજાતીય વ્યક્તિઓ વચ્ચેનું માત્ર શારીરિક આકર્ષણ છે! આ એક સંકુચિત માન્યતા છે. "પ્રેમ" ની વ્યાખ્યા એ વિશાળ છે.એમ એનું સ્વરૂપ પણ વિશાળ છે.પ્રેમ એ મા - બાપ,અને પરિવાર પ્રત્યે નો પણ હોય શકે છે. પ્રેમ એ કોઈ વસ્તુ તરફનો પણ હોઈ શકે છે.આ સબંધ અશુદ્ધ નથી પવિત્ર છે.જેને આપના ઝેરીલા વિચારોએ અશુદ્ધ બનાવ્યો છે.! મારા મતે પ્રેમ ની નાનકડી વ્યાખ્યા એટલે,
" કોઈપણ વ્યક્તિને ચાહવું એટલે,
જ્યાં લવ કવોટ્સ, શેર શાયરી,પ્રેમની વાતો ઇત્યાદિ ભૂલીને,
માત્ર એની ખુશી માટે
કદી ન પૂરી થનારી અવિરત પ્રાર્થના એટલે,
સતત ચાહતા રહેવાનું અને ખુદ ને ચેલેન્જ કરનારું
એક અભિમાન..!"
આપના સુવર્ણ ઇતિહાસમાં અનેક અમર પ્રેમીઓના ઉદાહરણો જોવા મળે છે.મોડર્ન પ્રેમમાં વાયદાઓ અને સોગંધ ખાવામાં આવે છે.ભલા માણસ, જો સોગંધ ખાવાની જરૂર પડે તો એ પ્રેમ તો નથી જ. આજના "so cool" કહેવાતા લોકો એક મેસેજ નો જવાબ ના મળે ત્યારે વ્યાકુળ થઈ જાય છે! શું આને પ્રેમ કહેવો? કસમો આપવી અને એ કસમો તૂટે એટલે તરછોડી દેવું એ પ્રેમ છે?? વ્યક્તિને દુનિયામાં પા પા પગલી ભરાવીને આગળ લાવનાર માતા પિતાની સલાહની અવગણના કરીને યુવાનો પોતાના પ્રેમ ને પસંદ કરે છે! અને હકીકત ત્યારે જ ખબર પડે જ્યારે જ્યારે ચાંદ તારા તોડવાના વાયદા કરવા વાળો ઘરમાં ટ્યુબલાઇટ પણ લાવી શકતો નથી!!!!!
સાચો પ્રેમ હયાત નથી એવું નથી.પણ એને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઓળખવાની ખૂબી છે.યુવાનો અને વિદ્યાર્થીઓ નિરાશ થાય છે! અને નિરાશા નું કારણ પૂછીએ તો એક કહે છે; " અમને કોઈ પ્રેમ મળ્યો નથી "!
શું આ નિરાશા નું યોગ્ય કારણ છે!
અરે! તમારો પ્રેમ તમારી સાથે જ છે.માતા પિતા,ભાઈ - બહેન,વડીલો,સ્વજનો, માર્ગદર્શકો અને ગુરુજનો. આનો પ્રેમ પામવા આપણે ક્યાંય જવું પડતું નથી.આ પ્રેમમાં હોટલોના બિલ ભરવા પડતા નથી. અને મોબાઈલ નું રિચાર્જ પણ કરવું પડતું નથી.!
સંભાળ રાખનાર ને ક્યારેય પણ આઇ લવ યુ ની જરૂર હોતી નથી.! મોડર્ન પ્રેમ એ સોશિયલ મીડિયા માં સીમિત થઈ ગયો છે.પ્રેમને સમજવાની સાચી રીત કહું તો જેના વિશે તમે ખોટું સાંભળી શકતા નથી, એ પ્રેમ છે.પ્રેમ એ જરૂરિયાત સમજવાની એક કળા છે.
મારા વિચારો અને મંતવ્યો એ પ્રેમ વિરોધી નથી. એક ઉંમરમાં આકર્ષણ થવું એ એક સાહજિક અને સ્વાભાવિક વાત છે. પણ સાચા અને ખોટા વચ્ચેનું અંતર સમજવું.એજ કહેવાનો મારો હેતુ છે. જો તમારે શુદ્ધ પ્રેમ જોવો હોય તો અવલોકન કરો કે તમારી માતા તમને કેવી રીતે પ્રેમ કરે છે?
પ્રેમની પરિભાષા વ્યક્ત કરવી મુશ્કેલ છે.આમ છતાં પણ એને શબ્દોમાં મૂકવાનો પ્રયાસ કરું છું;
" પ્રેમ એટલે "હું" નહિ,
પ્રેમ એટલે "તું" પણ નહિ,
પ્રેમ એટલે પોતાના અસ્તિત્વને સમાવવું!
પ્રેમ એટલે "કૃષ્ણ" નહિ,
પ્રેમ એટલે "રાધા" નહિ,
પ્રેમ એટલે કૃષ્ણ ની બંસીમાંથી ઉત્પન્ન થતાં રાધા ના સૂર!"
આ લેખ દ્વારા સમગ્ર સમાજના યુવાનો ને મારે એટલું જ કહેવું છે કે,તમે આપણા સમાજનું ભવિષ્ય છો! પ્રેમ કરવો એના કરતા પ્રેમમાં આંધળા ન બનતા એમાં વ્યવહારુ દ્રષ્ટિકોણ કેળવવો.યાદ રાખો કે પરિવાર નું દિલ દુભાવીને ક્યારેય સાચો પ્રેમ ના કરી શકો.!
અંતમાં માં ઉમિયા ના ચરણોમાં સાદર પ્રણામ અને પ્રાર્થના સહ:
|| અસ્તુ||
લેખક : પ્રેરણા જગદીશભાઈ કાનાણી
ખૂબ સરસ
ReplyDelete